ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું



ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે રાજસ્થાન, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે.

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં ભારે પવન અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે. આંદામાન-નિકોબાર, ઝારખંડ અને મરાઠવાડામાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. દિલ્હી NCR માં આજે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર શ્રી એ.કે. દાસે જણાવ્યું કે બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

આજે નીચેના જિલ્લાઓ માટે એલર્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે:

  • રેડ એલર્ટ: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર
  • ઓરેન્જ એલર્ટ: પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર
  • યેલો એલર્ટ: અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના